મહાત્મા ગાંધીજીએ મૂળગ્રંથો ગુજરાતીમાં લખ્યા હતા, જેનું પછીથી અંગ્રેજીમાં ભાષાંતર કરવામાં આવ્યું. અત્યારના વાચકોમાં ગાંધીજીની ‘આત્મકથા’સંક્ષિપ્તમાં વાંચવાની ઉત્સુકતા વધી રહી છે. ખાસ કરીને વિદ્યાર્થીઓમાં આ માંગ વધુ જોવા મળવા પામી છે. આ સંક્ષિપ્ત આવૃત્તિમાં મહાત્મા ગાંધીજીના જીવનની મહત્ત્વની પ્રત્યેક ઘટનાઓનો સમાવેશ થયો છે, જે વાચકોને લાભદાયક તેમજ વાચકો માટે પ્રેરક બની રહેશે. પૂ. બાપૂ કહે છે કે, ‘‘સત્યના પ્રયોગો કરતાં મેં રસ લૂંટ્યો છે, આજે લૂંટી રહ્યો છું. પણ હું જાણું છું કે મારે હજુ વિકટ માર્ગ કાપવાનો છે. તેને સારુ મારે શૂન્યવત્ બનવાનું છે. મનુષ્ય જ્યાં લગી સ્વેચ્છાએ પોતાને સહુથી છેલ્લો ન મૂકે ત્યાં લગી તેની મુક્તિ નથી. અહિંસા એ નમ્રતાની પરાકાષ્ઠા છે.’’ ગાંધીજીની આ ‘સંક્ષિપ્ત આત્મકથા’ને વાચકોનો અભૂતપૂર્વ આવકાર મળશે તેમજ વાચકો મહાત્મા ગાંધીના વિચારો તેમજ સત્યના પ્રયોગોથી પ્રેરણા લઈને પોતાના જીવનને પ્રેરણાદાયક બનાવશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી એમ કહીએ તો અતિશયોક્તિ નહીં થાય.